ફક્ત આજના જ દિવસે નહી દરરોજ મહિલા દિવસની જેમ જ સન્માન મળવું જોઈએ આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી,પરંતુ નારી શક્તિ,સંસ્કાર અને જીવનના ઘડતરના મૂલ્યોને યાદ કરવાનો દિવસ છે.
ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં નારીને માત્ર પરિવારનો ભાગ માનવામાં આવ્યો નથી, પરંતુ તેને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે.
આપણા શાસ્ત્રોમાં એક સુંદર વાક્ય આવે છે
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। જેનો અર્થ થાય છે
જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં જ બધા દેવતાઓનો નિવાસ થાય છે.
આ વિચાર આપણને સમજાવે છે કે નારી માત્ર વ્યક્તિ નથી, પરંતુ સંસ્કાર અને દિવ્યતાનું પ્રતિક છે.
જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણે લક્ષ્મી જી, સરસ્વતી જી અને માતા દુર્ગા ની પૂજા કરીએ છીએ.
લક્ષ્મીજી સમૃદ્ધિનું પ્રતિક છે
સરસ્વતીજી જ્ઞાનનું પ્રતિક છે
દુર્ગાજી શક્તિનું પ્રતિક છે
આ ત્રણેય ગુણો જીવનમાં સંતુલન અને વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.આપણી પરંપરામાં એક વધુ ઊંડો તત્વ છે
શિવજી અને માતા જી એટલે શક્તિ નો અવિભાજ્ય સંબંધ.આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે શક્તિ વિના અસ્તિત્વ અધૂરું છે.અને આ શક્તિ જીવનમાં ઘણીવાર માતા સ્વરૂપે પ્રગટ થાય છે.મારે અહીં મારા જીવનનો એક નાનો અનુભવ શેર કરવો છે.
જ્યારે જ્યારે હું નાની હતી ત્યારે મારી માતાએ મને એક ખૂબ સુંદર વાત શીખવી હતી.તેઓ કહેતા કે સવારમાં ઉઠીએ અને રાત્રે સુઈએ તે પહેલાં આપણા કુલદેવીને નમન કરવું.માતા કહેતા કે દેવીઓને નમન કરવાથી માત્ર આશીર્વાદ જ નથી મળતા, પરંતુ સારી બુદ્ધિ અને સારા સંસ્કાર પણ મળે છે.એવા નાના લાગતા સંસ્કારો જ જીવનના ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.મારી માતાને જોઈને જ મેં શીખ્યું કે જીવનમાં મોટાઓનો આદર કરવો, સેવા કરવી અને સંબંધોને પ્રેમથી જાળવવા.પછી જ્યારે લગ્ન પછી હું સાસરે ગઈ ત્યારે મને સમજાયું કે માતાનું બીજું સ્વરૂપ સાસુ છે.તેમણે જીવનમાં સંબંધોને સાચવવા, ઘર સંભાળવા અને નાની-નાની વસ્તુઓને સાચવી રાખવાની સમજ આપી.જીવનમાં સંયમ, વ્યવસ્થા અને સંસ્કાર આ બધું પણ જીવન ઘડતરનો મહત્વપૂર્ણ ભાગ છે.મારે અહીં મારી દાદીને પણ યાદ કરવી છે.મારી દાદીએ મને બાળપણથી ધાર્મિક વાર્તાઓનું મહત્વ સમજાવ્યું.
તેમણે મને ભાગવત ગીતા જી કે જેમનો પાઠ કર્યા વગર તે કઈ પણ અન્ન મોઢા માં મુકતા ન મુકતા અને આપણી ધાર્મિક કથાઓ દ્વારા જીવનના મૂલ્યો સમજાવ્યા.તેમણે સમજાવ્યું કે ગીતા પાઠ, પ્રાર્થના અને આધ્યાત્મિક ચિંતન માણસને આંતરિક શાંતિ અને યોગ્ય દિશા આપે છે.આજે પણ જ્યારે હું ગીતા પાઠ કરું છું ત્યારે મને મારી દાદી યાદ આવે છે.અને ત્યારે મને લાગે છે કેઆ સંસ્કાર માત્ર મારા માટે નથી,પરંતુ હવે મારી જવાબદારી છે કે હું આ સંસ્કાર આગામી પેઢી સુધી પહોંચાડું.કારણ કે બાળકો ઘણી વખત શબ્દોથી નહીં,પરંતુ વર્તનથી શીખે છે.જો આપણે વડીલોનો આદર કરીએ,તો નવી પેઢી પણ તેને સ્વાભાવિક રીતે અપનાવે છે.આ રીતે સંસ્કાર એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધતા રહે છે.હું આ સંસ્કાર મારી દીકરીઓને આપું.આજના સમયમાં ઘણી સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહી છે અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.સાથે સાથે પરિવારનું સંચાલન, સંતાનોનું ઉછેર અને ઘરના સંસ્કાર જાળવી રાખવાનું કાર્ય પણ એટલું જ મહત્વપૂર્ણ છે.જીવનમાં ઘણી બાબતો પરસ્પર સહયોગ અને સમજણ પર આધારિત હોય છે.જેમ આપણા શાસ્ત્રોમાં શિવજી અને શક્તિ ના સંતુલનની વાત કરવામાં આવે છે,તે જ રીતે જીવનમાં પણ સહયોગ અને સંતુલન ખૂબ જરૂરી છે.
આજે જ્યારે હું માતા તરીકે જીવન જીવું છું ત્યારે મને વધુ સ્પષ્ટ રીતે સમજાય છે કે સંસ્કાર આપવું એટલે માત્ર શીખવવું નથી, પરંતુ જીવનમાં ઉતારવું છે.
અંતમાં માત્ર એટલું જ કહેવું છે જે શક્તિને આપણે મંદિરમાં દેવી તરીકે પૂજીએ છીએ,તે જ શક્તિ આપણા જીવનમાં માતા સ્વરૂપે સંસ્કાર આપે છે.અને આ સંસ્કાર જ વ્યક્તિ, પરિવાર અને સમાજના ઘડતરનું સાચું આધાર બને છે.
વિશ્વની દરેક નારીને નમન.

No comments:
Post a Comment